ઓળખવા દે

બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે !
થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે !

પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે શબ્દસિંહાસન-
આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે !

સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે છે
રસ્તાના શતશત શેવાળી પથ્થરને તો ઓળખવા દે !

કોઈ જંગલી ઘાસફૂલ થઈ ભવભવ મળવાનું નિમંત્રણ
કબૂલ, પણ આ વિરહવ્યથાના બંજરને તો ઓળખવા દે !

વલ્કલ અથવા ચર્મ પહેરી રણ-અરણ્યો ખેડું કિન્તુ
મળ્યું ચામડી નામે તે આ વસ્તરને તો ઓળખવા દે !

હો મારું એકાન્ત અડીખમ, તુંય રહે તારામાં નિશ્ચલ,
પણ, પ્રથમ આ હોહા કરતા લશ્કરને તો ઓળખવા દે !

બેઉ હથેળી માથે મૂકી છાયો કરવા ચાહે છે પણ-
હે મા ! ક્ષણભર આકાશી આ છત્તરને તો ઓળખવા દે !

– સંજુ વાળા

Add a Comment

Your email address will not be published. Required fields are marked *