…તને મોડેથી સમજાશે

[1]
પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે ‘પ્રેમ’નો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?

[2]
જિંદગી ચાલી ગઈ છે વાતમાં ને વાતમાં
ને અમે બેઠા રહ્યા છઈ હાથ રાખી હાથમાં

આપ સૌ તો સુજ્ઞ છો સમજી જશો આ શે’રને
કાવ્યના મૃત્યુ થયા છે છીછરા અનુવાદમાં

વાંઝણું આંગણ હશેને તો’ય એ ચાલી જશે
છાંયડો આપે નહીં એ ઝાડને ઊગાડ મા

કોણ જાણે પાંગરીને એ હવે કેવું થશે
લાગણીનું બીજ રોપ્યું છે અમે પથરાળમાં

એ હળાહળ સત્ય હો કે હોય અફવાનો વિષય
જે તને ગમતી નથી એ વાતને અપનાવ મા

બારમો છે ચંદ્રમાં મારે અને આ થાકને
મંઝિલોને પીઠ દેખાડી ગયો છું રાહમાં

આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં

એ પછી તો શબ્દનો મેળાવડો યોજાય છે
એ ખરું સંકોચ જેવું હોય છે શરૂઆતમાં

‘પ્રેમ’ પણ ગઝલોની માફક થઈ ગયો મૃત્યુપરંત
આંખ મીંચેલો ગણીને તું કફન ઓઢાડ મા.

[3]
સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા

– જિગર જોષી ‘પ્રેમ’

Add a Comment

Your email address will not be published. Required fields are marked *