દિલ પુછે છે મારું

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,
ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે

– ભાવેશ રાઠોડ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *