બનાવ્યા છે

તેં ફક્ત આંસુઓ સારી મને બતાવ્યાં છે,
અમે તો જળનાં ય શિલ્પો ઘણાં બનાવ્યાં છે.

ઘણી વખત તો અનાયાસે શબ્દો આપ્યા છે,
કદી ઉજાગરા ગઝલે મને કરાવ્યા છે.

હસી, મજાક તને ખૂબ આવડે છે દોસ્ત,
ઉદાસી, શોકના ઉત્સવ તેં ક્યાં મનાવ્યા છે.

કદીક જાતથી પડછાયો થાય છે આગળ,
જરૂર હવાએ જ રસ્તો ગલી બતાવ્યાં છે.

કશુંક કહેવા તમે રોજ મંદિરે ચાલ્યા,
બધું જ સાંભળીને ઈશ્વરે બચાવ્યા છે ?

આ ફૂલની અહીં શોભા વધારવા માટે,
બધા જ કંટકે મસ્તકને પણ ઝુકાવ્યાં છે.

ઉદાસ થઈને તું દ્વારેથી નીકળે પણ કેમ ?
મે માનપાણી બધાંને દઈ વળાવ્યાં છે.

તને હવે જે વિશે લખવું હોય તે લખજે,
મેં બારી બ્હારનાં દશ્યો ઘણાં બતાવ્યાં છે.

– નીલેશ પટેલ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *