મનાઈ છે

અહીંયા જાહેર સ્થળે ધ્રૂમ્રપાન કરવાની મનાઈ છે
એંઠા ધુમાડાથી લોકોને હેરાન કરવાની મનાઈ છે
દંભી નકાબોને માન આપો, ચુપચાપ વાહ વાહ કરો
એમના અસલ ચહેરાની પહેચાન કરવાની મનાઈ છે
દેશદ્રોહીઓને સવલત આપો, છટકબારીનો લાભ આપો
ભુલથી પણ એ લોકોનું અપમાન કરવાની મનાઈ છે
ખુબ વાંચો, વિચારો, લખો ને ભાષણ કરો નૈતિકતા વિશે
પણ ખબરદાર વ્યવહારમાં આચરણ કરવાની મનાઈ છે
રદીફ જોઈએ, કાફિયા જોઈએ, જોઈએ છંદ અને શેરિયત
અહીં ફક્ત લાગણીઓથી શેરનું ફરમાન કરવાની મનાઈ છે
સાચા-ખોટાની વ્યાખ્યા બદલાવી ને દિલને સમજાવી દો,
‘પરેશાન’ અંતરાત્માને કહો, પ્રવચન કરવાની મનાઈ છે

– ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’

Add a Comment

Your email address will not be published. Required fields are marked *