ઊપડતી જીભ અટકે છે…

gujarati gazals

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પૂણેકર

એને નવું વર્ષ કહેવાય….

gujarati gazals

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

એકરાર

gujarati gazal and kavita

સહી-સિક્કા વગરનો,
વણલખ્યો કરાર,
એ-એકરાર.

કરાર છીનવી, કરે બેકરાર,
એ-એકરાર.

દરાર પૂરે દિલની,
એ-એકરાર.

આકાર-નિરાકાર, મિલન,
એ-એકરાર.

-વિભાકર ધોળકિયા

એક નજર

gujarati gazals

એમની નજર મળીને થોડા
શબ્દો મળી ગયા

ભલેને અમને એ ના મળ્યા
અમે એ રસ્તે ગયાને
એમના પગરવ મળી ગયા

શોધવા ગયા અમે પતઝડમાં
ઝરણામાં વમળ બની ચાલ્યા ગયાને
અમે તો એમ જ પ્યાસા રહી ગયા,

એકાંતમાં મળી ગયા અમને
એક મુસ્કાન આપી ચાલ્યા ગયા,

એ હસતા ગયા,ને અમે
ઊભા-ઊભા રડતા રહી ગયા,

થઈ સવારને ઉજાશ થયું,
ત્યારે અમારી સવારનું અંધારું થયું

કવેળાએ યાદ, એમને કર્યાં તોય
દિવસમાં પણએ અમારું
અજવાળું લઈ ગયા

-ચૌહાણ કિરીટભાઈ ‘એકલવ’

વિશ્વામિત્રનો તપોભંગ

gujarati gazals

છાને પગલે આવીને કોક દિલના દ્વાર ખોલી ગયું,
અંતરની ઉર્મિઓને કોક આઝાદ કરી ગયું,
સ્થિર મનમાં કોક કાંકરીચાળો કરી ગયું,
ફરી મેનકાનું કામણ,
એક વિશ્વામિત્રનું તપોભંગ કરી ગયું.

– શૈલ્ય

લંબચોરસ ઓરડામાં

gujarati gazals

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

– નયન દેસાઈ

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

gujarati gazals

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

મનાઈ છે

gujarati gazals

અહીંયા જાહેર સ્થળે ધ્રૂમ્રપાન કરવાની મનાઈ છે
એંઠા ધુમાડાથી લોકોને હેરાન કરવાની મનાઈ છે
દંભી નકાબોને માન આપો, ચુપચાપ વાહ વાહ કરો
એમના અસલ ચહેરાની પહેચાન કરવાની મનાઈ છે
દેશદ્રોહીઓને સવલત આપો, છટકબારીનો લાભ આપો
ભુલથી પણ એ લોકોનું અપમાન કરવાની મનાઈ છે
ખુબ વાંચો, વિચારો, લખો ને ભાષણ કરો નૈતિકતા વિશે
પણ ખબરદાર વ્યવહારમાં આચરણ કરવાની મનાઈ છે
રદીફ જોઈએ, કાફિયા જોઈએ, જોઈએ છંદ અને શેરિયત
અહીં ફક્ત લાગણીઓથી શેરનું ફરમાન કરવાની મનાઈ છે
સાચા-ખોટાની વ્યાખ્યા બદલાવી ને દિલને સમજાવી દો,
‘પરેશાન’ અંતરાત્માને કહો, પ્રવચન કરવાની મનાઈ છે

– ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’

ઓછા પડ્યા !

gujarati gazal

ભારે સખત પહેરા અને એ જાપતા ઓછા પડ્યા
સરકી ગયું પંખી પલકમાં ફાંસલા ઓછા પડ્યા
રાખી ન’તી સહેજે કસર બરબાદ કરવામાં મને
પણ એમના એ છળ-કપટના ત્રાગડા ઓછા પડ્યા
ખુલ્લી પડી ગઈ વાત એનાં નેણના અણસારથી
ધારણ કર્યા’તા મૌનના એ અંચળા ઓછા પડ્યા
સમજ્યા નહિ એ વાત મારી, દોષ એ મારો જ છે
આપ્યા હતા મેં ખંતથી એ દાખલા ઓછા પડ્યા
કંઈ કેટલી લાંબી હતી એના વિરહની રાત એ
ગણતો ગયો, ગણતો રહ્યો ને તારલા ઓછા પડ્યા
આવ્યા હતાં એ લઈ કટક ‘બેજાન’ને હંફાવવા
જખમો હતા કાતિલ બધા, પણ બાપડા ઓછા પડ્યા

– ‘બેજાન’ બહાદરપુરી

સૂતા રહ્યા

gujarati gazals

આ બધી ચિંતાઓ રાખી બારણે સૂતા રહ્યા
ના જગાડ્યા કોઈએ ને આપણે સૂતા રહ્યા

આંખમાં આવી અનર્થો એ જ તો સર્જે બધા
સ્વપ્ન સૌ રોકી દઈને પાંપણે સૂતા રહ્યા

હાથ બાળી કોક અજવાળું કરે, પણ આપણે
જાત બાળી આખ્ખે આખી તાપણે સૂતા રહ્યા

સ્હેજ ચરણોની ધૂલીથી જાગશું યુગો પછી
ઝંખના એક જ હતી એ કારણે સૂતા રહ્યા

આપણે અહીંયા છીએ બસ એ જ ગફલતને લીધે
જાગવા માટે હતી જે, એ ક્ષણે સૂતા રહ્યા.

બહાર નીકળી ને ગુમાવી બેસશું શૈશવ સીધું
એ ફિકર એ ડર લઈને પારણે સૂતા રહ્યા.

– ઉર્વીશ વસાવડા