પથારી છે

gujarati gazals

તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.

કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

જબાન પર હતા સહુના વિરોધનાં વાદળ,
પરંતુ લખતા રહ્યા એ જ તો ખુમારી છે.

તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
પછી જે આવશે બસ એ ગલી અમારી છે.

કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.

મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.

ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.

– નીલેશ પટેલ

કઠપૂતળી

gujarati gazal

મારી, ને તમારી, અને હરકોઈની ઈચ્છા
માણસના થતા જાય છે કંઈ કેટલા હિસ્સા

હું આંખ હજી મીંચું ત્યાં સ્મરણોનું ભરતકામ
અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા

બે મોજાંની વચ્ચેનો સમયગાળો એ જીવન
હો રેતના કિલ્લા, કે પછી શબ્દના કિલ્લા

અહીં નિત્ય નવો સૂર્ય, નવી ઘોડી, નવો દાવ
લઈ જાવ હવે દાટી દો, ઈતિહાસના કિસ્સા

આજ મેં ‘સહજ’ એમને ઝાંપેથી વળાવ્યાં
હું મુક્ત વિચારોથી, ને એ મારાથી છુટ્ટા

– વિવેક કાણે ‘સહજ’

દષ્ટિ કરતું નથી

gujarati gazal

શહેરમાં કોઈ સાલું સમજતું નથી,
કે જીવન આજનું કાલ મળતું નથી !

આપ તો સાહ્યબીને જ વળગી રહ્યા,
આપને કોઈ દિલથી વળગતું નથી !

ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે,
જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી !

તોય દિલ, મોત સુધરી ગયાનું સમજ,
લોક રડતું નથી કિન્તુ હસતું નથી !

ભર બપોરેય અંધાર લાગ્યા કરે,
જ્યાં સુધી એમનું મુખ મલકતું નથી !

આપને એ જ વાતે જલન થાય કે –
હજુય મુજથી જગત કેમ જલતું નથી !

કેટલું કેટલું એય પીડાય છે ?
પાન જે પાનખરમાંય ખરતું નથી !

સૌ ખુદા, ગૉડ, ભગવાન પાછળ પડ્યાં,
પ્રેમમાં કોઈનું ધ્યાન પડતું નથી !

તોય વકરી રહ્યું છે ગઝલનું વ્યસન,
કોઈ ‘ઉત્સવ’ તરફ દષ્ટિ કરતું નથી !

– યોગેશ સામાણી ‘ઉત્સવ’

કઠપૂતળી

gujarati gazals

એવાં ભૂલા પડો, કે ખુદ પોતાને પણ જડો નહીં
જો આવડે તો ચાકડે, માણસ ઘડો, ઘડો નહીં

છંદો, રદીફો-કાફિયા, ને શેરિયતની પણ શરત
આમાં તમારું કામ નહીં, દાઝી જશો, અડો નહીં

જો હોય દમ, તો દોરવો, અથવા તો અમને અનુસરો
કંઈ નહીં તો છેવટે ખસો, મારગ કરો નડો નહીં

વેચાઈ પણ જવું પડે, તો ભાવ એવો રાખજો,
આંબી જ ના શકે કોઈ, કોઈને પરવડો નહીં

આ શબ્દ-સંપદા ‘સહજ’, સર્વસ્વ છે અમારે મન
નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં.

– વિવેક કાણે ‘સહજ’

લખાય છે

gujarati gazals

સહેલો વિષય પસંદ કરીને લખાય છે,
જીવતા ન જો લખાય મરીને લખાય છે.
અક્ષરની જેમ લેતી રહે છે વળાંક એ
વાંચો તો માછલીથી તરીને લખાય છે.
શબ્દો જ ખાલી ખાલી હતાં શબ્દકોશમાં
એમાં અનેક અર્થ ભરીને લખાય છે.
કંઈ ના લખાય ત્યારે નથી હોતું કાંઈ પણ,
એક શૂન્યતાથી એમ ડરીને લખાય છે.
લખતો હતો કદીક હું તમને મળી અને
આજે દરેક વાત સ્મરીને લખાય છે.

– ભરત વિંઝુડા

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

gujarati gazals

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

– આદિલ મન્સૂરી

મારી ગઝલમાં…

gujarati gazals

અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

ઘડી બે ઘડી

gujarati gazal

એક વાર હવાને અડી તો જો !
વરસાદની જેમ ક્યાંક પડી તો જો !!

રોજિંદી ઘટમાળના પાટા ઉપરથી,
ગાંડા એન્જિનની જેમ ખડી તો જો !

ક્યારેક વસંતે કૂંપળ થઈને ઊગે,
સુકાઈને પતઝડમાં ઝડી તો જો !

ચોપાસ ઊછળતી મબલખ સુગંધી,
થોડીક તારા હૈયે જડી તો જો !

આ શું જે મનને કરે તરબતર છે,
મનને હૈયા વચ્ચેની કડી તો જો !

સૌંદર્યનો ‘આનંદ’ તું પણ લઈ શકે,
એની તરફ તું ઘડી બે ઘડી તો જો !

– અશોક જાની ‘આનંદ’

વસ્ત્રો …!!!

gujarati gazals

મુક્કદર ના નવગ્રુહ ની લપેટ માં લપેટાય છે વસ્ત્રો…
કોઇ શીતળ છાંય માં તો કોઈ ધોમધખતા તાપે શેકાય છે વસ્ત્રો…

શોક કે આંનંદ તો એમને પણ સ્પર્શે છે…
કોઈ શ્વેત તો કોઈ રંગબેરંગી રંગોથી રંગાય છે વસ્ત્રો…

અમીરી કે ગરીબી માનવો સુધી સિમીત નથી…
જરકશી જામા કે થીગડા માં પલટાય છે વસ્ત્રો…

દાદા ની ભાતીગળ પાઘડી અને દાદી નો જરી થી ભરેલો ગાગરો
નર માટે નારી અને નારી માટે નર બની જાય છે વસ્ત્રો…

તદ્દ્દન ખરુ છે કે માનવી એક્લો આવ્યો છે…!
કફન બની ને છેવટે સાથે જાય છે વસ્ત્રો…!!!

દુર્યોધનો આજે યે દ્રોપદી ના ચિરહરણ કરે છે જ્યારે ‘અંકુર’
અંતે થીગડા બની ને યે વસ્ત્રો ના શીયળ ઢાંકે છે વસ્ત્રો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

આપો તો સારું

gujarati gazals

દર્દ આપવા કરતાં તેમાં ભાગીદાર બની,
મારા કાર્યમાં જોમ વધારી આપો તો સારું.

અંધકારરૂપી મારા આ સૂનકાર જીવનમાં
દીપની વાટ બની પ્રકાશ આપો તો સારું.

આંખમાં અંધાપો વળી ગયો છે મ્હારે,
મ્હારી આંખની રોશની લાવી આપો તો સારું.

ગ્રીષ્મ ઋતુમાં શ્વાસ ઉષ્ણ બન્યા છે મ્હારા,
જરાક શીતલ હવા લાવી આપો તો સારું.

હવે દર્દ વધી દુઃખમાં ફેલાય છે મ્હારું,
મને જીવન જીવવા ‘ધીરજ’ આપો તો સારું.

સેનમા ધીરૂ એચ. ‘‘ઉદાસ’’